અવગણનાનું તીર
અવગણનાનું તીર
HAPPY MARRIAGE ANNIVERSARY નિરામય અને વૈદેહી ના મેસેજોની ફૂલજાર નિરામય અને વૈદેહીના ફેમિલી વોટ્સઅપ ગ્રુપમાં વરસી રહી હતી. આજે નિરામય અને વૈદેહીની ત્રીજી મેરેજ એનિવર્સરી હતી. જેટલો ઉભરાટ અને આનંદ વોટ્સઅપ ગ્રુપમાં દેખાઈ રહ્યો હતો એટલો કદાચ, નિરામય અને વૈદેહીના ચહેરા પર ન હતો. નિરામય એક MNC કંપનીમાં મેનેજરનો પોસ્ટ પર હતો. વૈદેહી પણ સારી કંપનીમાં HR ની પોસ્ટ પર કામ કરતી હતી. બન્ન્રનું અભ્યાસ અને કારકિર્દી બેકરાઉન્ડ એકદમ ઉજ્જવળ હતું, પરંતુ બહારની દેખાતી ઝાકમઝોળમાં તેમના વિચારોના મનમેળનો પ્રકાશ એકદમ ફિક્કો લાગતો હતો.
નિરામય અને વૈદેહીના અરેન્જડ મેરેજ હતા , અને બંને સુંદર શુશીલ પણ હતા, પણ બંનેના વિચારોમાં અલગતાવાદ દીસતો. નીરમાયને ઓફીસ કામ બાદ પોતાના મિત્રો સાથે સમય પસાર કરવો ગમતો અને વૈદેહી ઓફીસ બાદ ઘરની થોડીક જવાબદારી નિભાવ્યા બાદ પોતાના શોખ પુરા કરવામાં રસ હતો.નિરામય અને વૈદેહીને એકબીજા સાથે સમય પસાર કરવા બહુ ઓછો સમય મળતો...નિરામય અને વૈદેહી એમની રીતે એન્જોયમેન્ટ કરી લેતા પણ હવે ઘરમાં બંનેના દૈનિક જીવનમાં એક નવો વળાંક લાવવા માટે એક નવો મહેમાન આવવાનો હતો. વૈદેહીને સારા દિવસો રહ્યા અને પુરા મહીને એક દેવરૂપ દીકરાને જન્મ આપ્યો. દીકરાનું નામ સૌમ્ય રાખ્યું. સૌમ્ય નામ પ્રમાંન્ર ગુણ ધરાવતો સૌમ્ય હતો. હવે પ્રસુતિ બાદ તેની પ્રસુતિની રજાઓ પૂરી થતા તેનો નોકરીનો પ્રશ્ન હતો. નિરામયના માટે વૈદેહી એકલી હતી ત્યાં સુધી નોકરી કરતી હતી પરંતુ હવે બાળક આવ્યા બાદ તેની સંભાળ રાખવી અને નોકરી છોડી દેવી...પરંતુ વૈદેહીનું માનસ અલગ હતું. તેને પોતાની કારકિર્દીમાં અધવચ્ચે બ્રેકડાઉન મંજુર ન હતું. તે સૌમ્ય અને નોકરી બંને ઉપાડવા તૈયાર હતી પરંતુ થોડો ઘરના લોકોનો સહારો જોઈતો હતો.
વૈદેહીએ નિરામયની અસમંતિ વચ્ચે પણ સૌમ્ય માટે આયા રાખી નોકરી ચાલુ રાખી પરંતુ તે સૌમ્યને ખુબ ઓછો સમય આપી શકતી. આ વાતને લઈને બંને વચ્ચે ઝગડા વધતા ગયા. હવે તો સૌમ્ય ૬ વર્ષનો સમજણો થઇ ગયો હતો અને સાથે સાથે રોજ ના ઝગડાના નવા સ્વરૂપ જોતો હતો..હવે વૈદેહી અને નિરામય વચ્ચે ઝઘડાના વિષય તરીક સૌમ્ય કરતા અહંકારનો વિષય મોખરે હતો . સૌમ્ય શરૂઆતમાં તો પ્રફુલ્લિત રહેતો અને રમતો પણ સ્ફૂર્તિ દિવસે દિવસે ઓછી થવા લાગી. નિરામય ઝગડા માં ક્યારેક હાથ પણ ઉપાડી લેતો...બંને પક્ષે હવે સમજણ અને પ્રેમની ખાઈ મોટી થતી જતી હતી અને,અ ખાઈમાં સૌમ્ય ઊંડો ને ઊંડો પડતો જતો હતો.
સૌમ્ય હવે આઠ વર્ષનો થયો શાળામાં ભણવા જતો ત્યાં બીજા છોકરાના માતા-પિતા તે જોતા અંદર- અંદર જ દુ:ખની ગંગાનો પટ મોટો થતો જતો હતો. સૌમ્ય હમેશ માતા- પિતા ની હુંફ માટે ઝંખતો હતો પરંતુ બંનેના આખા દિવસના થાક અને વિચારોની ખાઈ સૌમ્યને તે પ્રેમ પૂરો પાડવા દેતા નહી. સૌમ્ય એકલો એકલો રડતો રહેતો અને ક્યારેક આકાશમાં કલાકો સુધી ટગર ટગર જોયા કરતો ; કાળી ભાષામાં કૈક કહેવા માંગતો પણ અંદર જ ધરબી ગયેલી લાગણીનો વમળ ગોળ ગોળ ઘૂમતો પણ બહાર ન નીકળતો.શરૂઆતથી જ સૌમ્ય અભ્યાસમાં નબળો થવા લાગ્યો. તેના માતા-પિતા એના માટે રોજ ટોકતા પણ ખાસ સુધારણા એધાણ દેખાયા નહિ..સૌમ્યનું નાનકડું મગજ હવે રોજના ઝગડાનો માર ,ભણતરનો ભાર અને હુંફની કચાશ સહન કરવા સખમ ન હતું.
ઠંડીના દિવસો હતા અને આ દિવસોમાં ઠંડી રૌદ્ર સ્વરૂપ ડોકાઈ રહ્યું હતું.ઠંડીનો પારો ૧૦ ડીગ્રીની નીચે ગગડી ગયો હતો.એક દિવસ સૌમ્ય શાળાએ ગયો પરંતુ પાછો ઘેર ફર્યો નહિ.તે બગીચામાં બેસી રહ્યો. નાનકડા કુમળા મગજમાં આજે વિચારોનું ઘોડાપુર આવ્યું હતું. આજે તે રડી પણ ન શક્યો માત્ર વિચારતો રહ્યો કે લોકો કહે છે બાળકતો ભગવાનને ખુબ જ પ્યારું હોય છે તો હું કેમ નહી..મારા માતા-પિતા નો પ્રેમ મને કેમ નથી મળતો..આજે સવારથી એને કઈ ખાધું પણ ન હતું એટલે અશક્તિ જણાઈ રહી હતી ઉપરથી મગજ પરનો ભાર તેને વધરે અશક્ત કરી રહ્યો હતો..તે ત્યાં જ બેભાન થઇ ઢળી પડ્યો. બગીચાના ખૂણામાં ખાસ કોઈ આવતું ન હોવાથી કોઈની નજર તેની પર પડી નહી અને આખી રાત હાંજા ગગડાવી નાખનાર ઠંડીએ સૌમ્યના હદયના ધબકારા થીજવી દીધા......